પૃષ્ઠો

ગુરુવાર, 24 મે, 2012

ચાલો જાણીએ રામકૃષ્ણ પરમહંસ વિશે

* જન્મ : ૧૮/૦૨/૧૮૩૬
* જન્મસ્થળ : કામારપુકુર
* મૂળનામ : ગદાધર
* રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર
* માતાનું નામ : ચંદ્રમણિ
* પિતાનું નામ : ખુદીરામ
* પિતાજીનું ગામ : બંગાળના હુગલી જિલ્લાનું દેરેગામ
* દાદાનું નામ : માણિકરામ
* ભાઈઓના નામ : રામકુમાર, રામેશ્વર
* બહેનોના નામ : કાત્યાયની, સર્વમંગલા
* સ્વભાવ : ચંચળ, હસમુખા, સ્ત્રી સહજ કોમળતા, માધુર્યના ગુણો સ્વભાવમાં હતા.
* અન્નપ્રાશન સંસ્કાર : ગદાધર છ માસનો થયો ત્યારે આ પ્રસંગ આવ્યો. મોટો સમારોહ કરી બ્રાહ્મણોને જમાડવાનું ગરીબ ખુદીરામનું ગજું ન હતું પરંતુ ભગવાનની કૃપાથી આ પ્રસંગ ધામધુમપૂર્વક પાર પડયો.
* વિદ્યારંભવિધિ : ગદાધર ચાર વર્ષ પૂરાં કરી પાંચમા વર્ષમાં પ્રવેશ્યા ત્યારે ખુદીરામે શાસ્ત્રવિધિ પ્રમાણે તેનો વિદ્યારંભવિધિ કર્યો. અને તેને નિશાળે મૂકયો.
* શોખ : ગીત, સંગીત, પાત્રોના અભિનય, કથા સાંભળવી, રામલીલા જોવી.
* પિતાજીનું મૃત્યુ : ગદાધરની સાત વર્ષની વયે પિતા ખુદીરામનું અવસાન થયું.
* જનોઈ સંસ્કાર : ગદાધર દસ વર્ષનો થયો એટલે તેનો જનોઈ સંસ્કાર કરવામાં આવ્યો. સને ૧૮૪૫માં આ સમારંભ થયો અને તેને ગાયત્રીમંત્રની દીક્ષા આપવામાં આવી.
* નોકરી : દક્ષિણેશ્વરમાં કાલીમંદિરમાં દેવીને અલંકાર પહેરાવવા.
* શકિતમંત્રની દીક્ષા : પ્રખ્યાત તાંત્રિક કેનારામ ભટ્ટાચાર્ય પાસે રામકુમારે ગદાધરને શકિતમંત્રની દીક્ષા લેવડાવી.
* સાધનાનું સ્થળ : દક્ષિણેશ્વરમાં મંદિરની ઉત્તરે આવેલો ભાગ પંચવટીના નામે ઓળખાતો. એ પંચવટીની ચારેબાજુ જંગલ હતું ગીચ ઝાડી હોવાથી દિવસે પણ ત્યાં અંધારું રહેતું. ભૂતપ્રેતનો ત્યાં વાસ છે એવી લોકવાયકાને કારણે દિવસે પણ ત્યાં જવાની કોઈ હિંમત કરતું નહીં. ગદાધરે આ પંચવટીને પોતાની સાધના માટે પસંદ કરી. આંબલીના વિશાળ વૃક્ષ નીચે તે બપોરે તથા રાતે ધ્યાન કરતા.
* લગ્ન : ૧૮૫૯માં ગદાધર ત્રેવીસ વર્ષના થઈ ચૂકયા હતા. એમને સાંસારિક બાબતોમાં રસ લેતા કરવા માટે ચંદ્રમણિએ ગદાધરને પરણાવી દેવાનું નક્કી કર્યું. પોતાનાથી અઢાર વર્ષ નાની પાંચ વર્ષની શારદા સાથે ગદાધરનાં લગ્ન થયાં.
* પત્નિનું નામ : શારદામણિ
* સાધનાનો નવો તબક્કો : સને ૧૮૬૧માં દક્ષિણેશ્વરમાં યોગેશ્વરી નામક સંન્યાસિની (જે ભૈરવી બ્રાહ્મણીના નામથી ઓળખાતી હતી) ના આગમન સાથે ગદાધરની સાધનાનો નવો તબક્કો શરૂ થયો. ગદાધરની તાંત્રિક સાધનાઓની વિશેષતા એ હતી કે તેઓ લગભગ બધી તાંત્રિક કિયાઓ ત્રણ ત્રણ દિવસમાંજ પૂર્ણ કરી દેતા હતા.
* સંન્યસ્ત દીક્ષા : સને ૧૮૬૪ના અંતભાગમાં એક દિવસ દક્ષિણેશ્વરમાં એક દીર્ઘકાય જટાધારી દિગમ્બર સંન્યાસી આવી પહોંચ્યા. એમનું નામ હતું પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી તોતાપુરી. તોતાપુરીએ ગદાધરને કહ્યું હું તને વેદાંતનું જ્ઞાન આપીશ અને સાધનાના સર્વોચ્ચ શિખરે પહોંચાડીશ. ગદાધરે જવાબ આપ્યો મારે માને પૂછવું પડે. તેમને માને પૂછયું. માએ રજા આપી. આ જાણી તોતાપુરી પ્રસન્ન થયા. તોતાપુરીએ કહ્યું અદ્વૈત વેદાંતનો અભ્યાસ અને શાસ્ત્રવિહિત સાધના શરૂ કરતાં પૂર્વે વિધિવત સંન્યસ્ત દીક્ષા લેવી પડે. પોતાની વૃદ્ધમાતાને દુ:ખ ન થાય તે માટે ગદાધરે ગુપ્તપણે દીક્ષા લેવાની તૈયારી બતાવી. રાત્રિના અંતિમ પ્રહરે ગુરુ-શિષ્ય પંચવટીના ધ્યાનખંડમાં પ્રવેશ્યા. શિખા અને યજ્ઞોપવીતનું વિધિપૂર્વક વિસર્જન કર્યા પછી સંન્યાસી જીવનનાં પ્રતીક સમાં કૌપીન અને ભગવુંવસ્ત્ર ગદાધરે આનંદપૂર્વક અંગીકાર કર્યા. ત્યારબાદ તોતાપુરીએ ગદાધરને નવું નામ આપ્યું. તારું નામ શ્રીરામકૃષ્ણ અને પદવી પરમહંસ.
* વિવિધ ધર્મની સાધના : સને ૧૮૬૬ના અંતભાગમાં ગોવિંદરામ નામક એક અરબી ફારસીના પંડિતની મદદથી રામકૃષ્ણે ઈસ્લામ ધર્મની સાધના કરી પયગંબરના દર્શન કર્યાં. નવેમ્બર ૧૮૭૪માં શંભુચરણ રામકૃષ્ણને બાઈબલ વાંચી સંભળાવતા. ધીમે ધીમે તેમને ઈસુ ખ્રિસ્તના ચરિત્રનો તથા ખ્રિસ્તી ધર્મનો પરિચય થવા લાગ્યો. થોડા દિવસ પછી રામકૃષ્ણને ઈસુએ દર્શન આપ્યાં, આલિંગન આપ્યું અને એમનામાં સમાઈ ગયા.
* સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ : સને ૧૮૭૪ના અંત સુધીમાં રામકૃષ્ણએ પોતાના સાધનાયજ્ઞની પૂર્ણાહુતિ કરી અને એમને જ્ઞાનવૃક્ષનાં ત્રણ સુંદર ફળ કરુણા, ભકિત અને ત્યાગ પ્રાપ્ત થયાં.
* શિષ્યવૃંદ : કેશવચંદ્ર સેન, રામચંદ્ર દત્ત, મનમોહન મિત્ર, રામચંદ્ર દત્તનો નોકર લાટુ, રામાલચંદ્ર ઘોષ, ગોપાલચંદ્ર ઘોષ, નરેન્દ્રનાથ દત્ત (વિવેકાનંદ), મહેન્દ્રનાથ ગુપ્ત, યોગીન્દ્રનાથ ચૌધરી, ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અશ્વરચંદ્ર સેન, શશીભૂષણ, શરદચંદ્ર ચકવર્તી, હરિનાથ ચટ્ટોપાધ્યાય, હરિપ્રસન્ન ચટ્ટોપાધ્યાય, ગંગાધર ઘટક, ગિરીશચંદ્ર ઘોષ, કાલીપ્રસાદચંદ્ર, સુબોધ ઘોષ, પૂર્ણચંદ્ર ઘોષ…
* નિર્વિકલ્પ સમાધિ (મૃત્યુ) : ૧૬મી ઓગસ્ટ ૧૮૮૬ ને સોમવાર વહેલી પરોઢ
* ગાંધીજીના મતે રામકૃષ્ણ : રામકૃષ્ણના જીવનની કથા એ આચરણમાં ઊતરેલા ધર્મની કથા છે. તેમનું ચરિત્ર આપણને ઈશ્વરનાં સાક્ષાત્ દર્શન કરવાને શકિતમાન બનાવે છે.
* એક પ્રસંગ : એક દિવસ ગદાધર પોતાના વરંડામાં આંટા મારી રહ્યા હતા. મથુરબાબુ એ વખતે પોતાના ઓરડામાં બેસી કંઈ કામ કરતા હતા. એટલામાં અચાનક મથુરબાબુ પાગલની જેમ દોટ મૂકીને આવ્યા અને ગદાધરના ચરણોમાં પડી બાળકની જેમ રડવા લાગ્યા. થોડીવાર પછી પોતાના વર્તનનો ખુલાસો કરતાં તેમણે કહ્યું. તમે વરંડામાં આંટા મારતા હતા એ હું જોતો હતો. આજે તમારામાં મને અદ્ભુત દર્શન થયાં. તમે જયારે એકબાજુ જતા હતા ત્યારે મને જગદંબા સ્વરૂપે દેખાતા હતા અને બીજી બાજુ જતા હતા ત્યારે શિવ સ્વરૂપે દેખાતા હતા. ઘડીભર તો મને લાગ્યું કે મારો ષ્ટિભ્રમ હશે. પરંતુ મેં આંખો ચોળીને ફરી જોયું તો પ્રત્યેક વખતે મને એવું જ જોવા મળ્યું.
* દક્ષિણેશ્વર મંદિરનું નિર્માણ : કલકત્તાના જાનબજાર નામક લત્તામાં રામચંદ્રદાસ નામના ધનાઢય જમીનદારની વિધવા રાણી રાસમણિ રહેતી હતી. સ્વપ્નમાં દેવીનો આદેશ થવાથી તેણે જમાઈ મથુરબાબુ સાથે મસલત કરી કલકત્તાથી ઉત્તરે છ કિલોમિટર દૂર ગંગાકિનારે નદીને પૂર્વકાંઠે દક્ષિણેશ્વરમાં સાઠ વીઘા જમીન સને ૧૮૪૧ની ૬ઠ્ઠી સપ્ટેમ્બરે ૬૦,૦૦૦ રૂપિયામાં ખરીદી અને તેના પર નવચૂડાથી શોભતું વિશાળ કાલીમંદિર, બાર શિવમંદિરો, રાધાકાન્તનું મંદિર, સભામંડપ વગેરે બંધાવ્યા. સને ૧૮૫૫ના મેની ૩૧મી તારીખે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગદાધરના ભાઈ રામકુમારે આયુષ્યના અંત સુધી પૂજારીપદ નિભાવ્યું હતું.
સંકલન : ભરત ચૌહાણ
વધુ જાણવા માટે નીચેની લીંક પર ક્લિક કરો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો